વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૫૭

 

સાચો ત્યાગ અને શૂરવીર ભક્તનું – ચિત્રકેતુનું

સંવત્ ૧૮૮૧ના આષાઢ સુદિ ૬ છઠયને દિવસ સંધ્યાઆરતીને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત પાધ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી અને શ્વેત ચાદર ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિમંડળ દુકડ ને સરોદા લઈને ભગવાનના કિર્તનનું ગાન કરતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,” સાંભળો, એક વાર્તા કરીએ જે, જયારે તમે કિર્તન ગાતા હતા, ત્યારે અમે કિર્તન સાંભળતાં જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ જે, ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તારૂપે રહીને જ કરવી ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિષે માયા ને માયાનાં કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઈન્દ્રિયો, અંત:કરણ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈક જે આત્માને વિષે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે પણ જેણે જ્ઞાન-વૈરાગ્યે કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે, તેને તો એ આત્માને વિષે કોઈ જાતનું આવરણ નથી.અને એ આત્મારૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી; એ તો પોતાને આત્મારૂપે રહેવું તેનું એ પ્રયોજન છે જે, ‘હું આત્મા છું તે મારે વિષે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિષે તો માયાનો લેશ પણ કેમ હોય ?” એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારૂં આત્મનિષ્ઠા દ્રઢ કરીને રાખવી. અને એ આત્માના પ્રકાશને વિષે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેસવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે.

અને વળી જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય, તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય અને પરમેશ્વર વિના બીજું જે જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. અને તે પદાર્થ નાનુ હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. અને એમ કાંઈ જાણવું નહિ જે ‘સારૂં પદાર્થ હોય ને તે જ ભગવાનના ભજનમાં આડય કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે.” એ તો જીવનો એવો સ્વભાવ છે જે, જેમ કોઈકને ગળ્યું ભાવે, કોઈકને ખારૂં ભાવે, કોઈકને ખાટું ભાવે, કોઈકને કડવું ભાવે, તેમ જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે, તે અલ્પ પદાર્થ હોય તેને પણ ભગવાન કરતાં અધિક વહાલું કરી રાખે છે. અને જ્યારે ભગવાનની મોટયપ સામું જોઈએ, ત્યારે તો એવું કોઈ પદાર્થ છે નહિ જે, ‘તેની કોટિમાં ભાગના પાશંગમાં પણ આવે” એવા ભગવાનને યથાર્થ જાણીને જો હેત કર્યું હોય, તો માયિક પદાર્થ જે પિંડ-બ્રહ્માંડાદિક તેમાં કયાંઈ પણ પ્રીતિ રહે નહિ, માયિક પદાર્થ સર્વે તુચ્છ થઈ જાય. અને એ ભગવાનનો જ્યારે યથાર્થ મહિમા જણાયો ત્યારે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીનું ચક્રવતી રાજ્ય હતું તે રાજ્યનો પણ ત્યાગ કર્યો ને તે એમ સમજ્યા જે; ‘એ ભગવાનના સુખ આગળ એ સો લાખ સ્ત્રીઓનું સુખ તે શી ગણતીમાં ? અને ચક્રવર્તી રાજ્યનું સુખ પણ શી ગણતીમાં ? અને તેથી ઈન્દ્રના લોકનું ને બ્રહ્માના લોકનું સુખ પણ શી ગણતીમાં ?”

અને એવા જે ભગવાન તે વિના જે બીજા પદાર્થને વિષે પ્રીતિ કરે છે, તે તો અતિશય તુચ્છબુદ્ધિવાળો છે જેમ કૂતરૂં હોય તે સૂકા હાડકાને એકાંતે લઈ જઈને કરડે ને તેમાં સુખ માને છે, તેમ મૂર્ખ જીવ છે તે દુ:ખને વિષે સુખને માનીને તુચ્છ પદાર્થને વિષે પ્રીતિને કરે છે. અને જે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય, તે તો કેવળ મીનડિયો ભક્ત છે અને જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહિ. અને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે જે, ‘શૂરવીર હોય તે લડવા સમે શત્રુસન્મુખ ચાલે પણ બીવે નહિ તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય ને લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધન હોય ને તે ખરચ્યા-વાવર્યામાં કામ ન આવ્યું, તે વૃથા છે તેમ મને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરૂં ત્યારે મારૂં જ્ઞાન તે શા કામમાં આવ્યું ?” એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્ત કાંઈક થોડીઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહિ.” એમ કહીને શ્રીજી મહારાજે તુલસીદાસજીનાં ત્રણ પદ ગવરાવ્યાં, તે ત્રણ પદનાં નામ એક તો ‘જ્યાકિ લગન રામસોં નાહિં” તથા બીજું ‘એહી કહ્યો સુનુ વેદ ચહું” તથા ત્રીજું ‘જ્યાકું પ્રિય ન રામ વૈદેહી’ એ ત્રણ પદ ગવરાવીને પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે; તે કરતાં કરતાં જો કાંઈક અધૂરૂં રહ્યું અને એટલામાં જો દેહ પડયો તો પણ મરીને નરકચોરાશીમાં જવું નથી કે કોઈ ભૂતપ્રેત થવું નથી, સુધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ ઈન્દ્રના જેવો કે બ્રહ્માના જેવો તો આવશે, પણ એથી ઊતરતો નહિ આવે માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું” એમ કહીને શ્રીજીમહારાજને મુકુંદબ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળે જમવા પધાર્યા.

ઈતિ વચનામૃતમ || ૫૭ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30