વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૪૨

 

અક્ષરનું સગુણનિર્ગુણપણું – મૂર્તિ ત્યાં મધ્યનું

સંવત્ ૧૮૮૦ના માગશર વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવદાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછયો જે, “હે મહારાજ! ભગવાનના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે કેવી રીતે રહ્યાં છે અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પુરૂષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે- એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું. અને પુરૂષોત્તમનારાયણ છે તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય અને સગુણ-નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મસ્વરૂપે છે અને સગુણસ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિષે નાનાં થઈ જતાં નથી, એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય પણ અક્ષરની અતિશય મોટયપ છે તે આગળ બ્રહ્માંડ અતિશય નાનાં દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે, તે મેરૂ આગળ અતિશય નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરૂ પર્વત અતિશય નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં હોય પણ અક્ષરની અતિશય મોટયપ છે તેની આગળ અતિ નાનાં દેખાય છે માટે અણુ સરખાં કહેવાય છે. અને અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે; તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગે કરીને દિશાઓ કલ્પાય છે તેમ અક્ષરધામ છે. અને તે અક્ષરને ઉપર, હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટિઓ છે. અને ભગવાન જે પુરૂષોત્તમ તે તો અક્ષરધામને વિષે સદાય વિરાજમાન રહે છે ને તે સત્યસંકલ્પ છે અને અક્ષરધામને વિષે રહ્યા થકા જ જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યાં જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. જેમ શ્રીકૃષ્ણ-ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા; તેમ પુરૂષોત્તમ ભગવાન બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે અને જ્યાં એ પુરૂષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે.”

ઈતિ વચનામૃતમ || ૪૨ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30