વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૪

 

માહાત્મ્ય ને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર મેડીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ, સરોદા, સતાર વજાડીને મલાર રાગનાં કિર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કિર્તન ગાવવાં રહેવા દ્યો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી પરમહંસે કહ્યું જે, “સારૂં મહારાજ !”, પછી શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, “શાસ્ત્રમાં કહ્યાં એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપત્કાળ આવે જે, ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો ?” પછી બ્રહ્માનંદસ્વામી બોલ્યા જે, “જો ભગવાન ભક્તિ રાખ્યે રાજી હોય તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખ્યે રાજી હોય તો ધર્મ રાખવો.”

ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “જેને પ્રકટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે; પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું ?” પછી મુક્તાનંદસ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપત્કાળ પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન કરવું તો એ ભગવાનના માર્ગથકી પડે નહિ.”

પછી વળી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછયો જે, “જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે જે, ‘ગમે તેટલાં પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય” એવું માહાત્મ્ય સમજતો હોય, તેને કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહિ ?” પછી મુક્તાનંદસ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે, ‘મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થવું છે. અને જો કામ, ક્રોધ, લોભાદિક, વિકારને વિષે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થશે, એમ જાણીને કુમાર્ગથકી અતિશે જ ડરતો રહે અને અધર્મને વિષે કોઈ કાળે પ્રવર્તે જ નહિ.” એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશય સમજતો હોય તોપણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહિ. અને ભગવાનનું જે અખંડ ચિંતવન થવું તે કાંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે.”

પછી બ્રહ્માનંદસ્વામીએ પૂછયું જે, “એમ જાણીએ છીએ તોપણ અખંડ ચિંતવન રહેતું નથી એનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે તેટલું માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછયપ છે. અને જ્યારે માહાત્મ્ય જાણ્યામાં ઓછયપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછયપ છે માટે જો ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય. તે માહાત્મ્ય એમ જાણવું જે, ‘ભગવાન તો જેવા પ્રકૃતિપુરૂષ થકી પર છે તેવા ને તેવા જ પ્રકૃતિપુરૂષમાં આવ્યા છે, તોપણ પ્રતાપે યુક્ત છે અને પ્રકૃતિપુરૂષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્યા છે તોપણ ભગવાન તેવા ને તેવા પ્રતાપે યુક્ત છે, પણ ભગવાનની મૂર્તિને વિષે કોઈ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે તેને ભેળાં કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે, તે સર્વે ઘણે કાળે કરીને ધૂડય ભેળાં ધૂડય થઈ જાય અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ, તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી. કેમ જે, જ્યારે વિષયરૂપી ધૂડયનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તોપણ વિષયમાં એકરસ થઈ જાય; અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તોપણ એને માયિક પદાર્થ બાધ કરવાને સમર્થ થાય નહિ અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહિ એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે.” એમ ભગવાનનું માહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું જે, ‘હે ઉદ્ધવ ! હું થકી અણુમાત્ર ન્યૂન નથી.” તે શા માટે જે, ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માહાત્મ્ય જાણ્યું હતું ને પંચવિષયના લીધા લેવાતા નહોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભીખ માગી ખાય તે બેય સરખું વર્તે અને બાળક સ્ત્રી અને સોળ વર્ષની સ્ત્રી અને એંશી વર્ષની સ્ત્રી તે સર્વમાં સરખો ભાવ વર્તે. અને જે જે સંસારમાં સારૂં નરસું પદાર્થ હોય તે સર્વેમાં સરખી ભાવના રહે પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાઈ જાય નહિ અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહિ, એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહિ. અને જો એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહામુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્મ્ય જાણ્યા વિના બીજા કોટિ સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”

ઈતિ વચનામૃતમ || ૪ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30