વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૩૨

 

થોરના ઝાડનું- નિર્વિધ્ન ભક્તિનું

સંવત્ ૧૮૮૦ના શ્રાવણ સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને શ્રીજીમહારાજે અંગને વિષે સર્વ શ્વેત વસ્ત્ર પેહર્યા હતાં અને મસ્તકને ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિષે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવા જે, “આ સંસારને વિષે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પિંપરનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઊગીને ઝાડ થાય અને આંબો તથા લીંબડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહિ, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહિ. અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના ને વડના ઝાડ જેવો છે, તે કાપી નાખ્યો હોય તોપણ ધરતીમાં પડયો પડયો પણ પાલવ્યા વિના રહે નહિ. માટે એ કુટુંબીનો સંબંધતો તો ટળે, જો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહથકી નોખો એવો જે આ દેહને વિષે જીવાત્મા, તેને પોતાનું રૂપ જાણીને તેને વિષે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ, વર્ણ, આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિષે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખો ટળે. તે વિના બીજો ઉપાય કોઈ નથી.

અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મસ્વરૂપ થાય તેનું કારણ તો પુરૂષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કિર્તન અને કથાદિક એ જ છે; ને એણે કરીને જ એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ધર્મ તે તો ભગવાનની ભકિતનાં સહાયરૂપ ઉપકરણ છે પણ ભગવાનની ભકિત વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી. અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભકિત હોય તોપણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે,એટલો ધર્માદિક થકી ભકિતને વિષે વિશેષ છે તોપણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભકિતને વિષે કોઈ વિધ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિકે કરીને ભકિતને વિષે વિધ્ન જરૂર થાય છે. તે માટે ધર્માદિક અંગે સહિત ભકિત કરવી. અને એવી રીતે ભકિતને કરતો જે ભકત તેને પણ જો ભૂંડાં દેશ, કાળ, ક્રિયા ને સંગ છે તેને વિષે પ્રવર્તાય, તો ભગવાનનો ભકત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે. માટે ભૂંડો દેશ, ભૂંડો કાળ, ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ,રૂડી ક્રિયા તેને વિષે સદા પ્રવર્તવું પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો જ નહીં.”

ઈતિ વચનામૃતમ || ૩૨ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30