વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૩૦

 

સોનું ને સ્ત્રી બંધન ન કર્યાનું

સંવત્ ૧૮૭૯ના દ્વિતીય ચૈત્ર સુદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની ઓસરીએ ગાદીતકિયા ઉપર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોળા પુષ્પનો તોરો પાઘમાં લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “શ્રીમદ્દ ભાગવત આદિક જે સચ્છાસ્ત્ર તે સત્ય છે અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે પણ બીજી રીતે થતું નથી. જુઓને, શ્રીમદ્દ ભાગવતમાં સુવર્ણને વિષે કળિનો નિવાસ કહ્યો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી, અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે કેમ જે, જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિષે તણાયા વિના રહે નહિ માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે. અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય, જ્યારે પ્રકૃતિપુરૂષ થકી પર એવું જે શુદ્ધચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે ને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને એ બ્રહ્મ થકી ઓરૂં જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્યમાત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિષે અતિશય દોષદ્રષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિષે અતિશય વૈરાગ્ય પામે, તેને સોનું ને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે.”

ઈતિ વચનામૃતમ || ૩૦ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30