વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૧૭

 

ભગવાનના સ્વરૂપમાં તત્વોનું-સ્થિતપ્રજ્ઞનું

સંવત્ ૧૮૭૮ ના આસો વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરને સમીપે ઓરડાની ઓસરીએ સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાની આગળ મશાલ બે બળતી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને કિર્તન ગવાતાં હતાં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “કિર્તન ગાવવાં રહેવા દ્યો, પ્રશ્નઉત્તર કરીએ.” પછી સર્વે મુનિ બોલ્યા જે, “ઘણું સારૂં મહારાજ.” પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછયો જે, “ભગવાનનું સ્વરૂપ છે તેને કોઈક ભક્ત તો માયાનાં ચોવીશ તત્વે સહિત સમજે છે અને કોઈક ભક્ત તો માયાના તત્વે રહિત કેવળ ચૈતન્યમય ભગવાનનું સ્વરૂપ સમજે છે, એ બે પ્રકારના ભક્ત છે તેમાં કેની સમજણ ઠીક છે ને કેની સમજણ ઠીક નથી ?” પછી મુક્તાનંદસ્વામીએ કહ્યું જે, “જે ભગવાનને વિષે માયિક ચોવીશ તત્વ સમજે એની સમજણ ઠીક નથી અને ભગવાનનું સ્વરૂપ માયાના તત્વે કરીને રહિત કેવળ ચૈતન્યમય સમજે તેની સમજણ ઠીક છે.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંખ્યવાળે ચોવીશ તત્વ કહ્યું છે તે સાંખ્યને મતે ત્રેવીશ તત્વ ને ચોવીશમો ક્ષેત્રજ્ઞ જે જીવ-ઈશ્વરરૂપ ચૈતન્ય છે તે એ રીતે ચોવીશ તત્વ કહ્યું છે કેમ જે, ક્ષેત્રક્ષેત્રજ્ઞને તો અન્યોન્ય આશ્રયપણું છે, તે ક્ષેત્રજ્ઞ વિના ક્ષેત્ર કહેવાય નહિ ને ક્ષેત્ર વિના ક્ષેત્રજ્ઞ કહેવાય નહિ તે માટે તત્વ ભેળા જ જીવ ઈશ્વરને કહ્યાં છે અને ભગવાન છે તે તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ બેયના આશ્રય છે; માટે ભગવાનથકી માયિક તત્વ જુદાં કેમ કહેવાય ? અને જેમ આકાશ છે તેને વિષે ચાર તત્વ રહ્યાં છે તોપણ આકાશને કોઈનો દોષ અડતો નથી તેમ પરમેશ્વરના સ્વરૂપને પણ માયિક તત્વનો એકેય દોષ અડતો નથી એવું જ ભગવાનનું સ્વરૂપ છે, તેમાં ચોવીશ તત્વ કહીએ તેમાં શો બાધ છે ? અને તત્વે રહિત કહેવું તેમાં શું નિર્બાધપણું આવી ગયું ? અમને તો એમ જણાય છે.” પછી દીનાનાથ ભટ્ટે પૂછયું જે, “જેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તેને ભગવાનનું સ્વરૂપ તત્વે સહિત સમજવું કે તત્વે રહિત સમજવું?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના સ્વરૂપને જે તત્વે સહિત સમજે છે તે પણ પાપી છે અને જે તત્વે રહિત ભગવાનના સ્વરૂપને સમજે છે તે પણ પાપી છે. ભગવાનના સ્વરૂપમાં તો ભગવાનના ભક્ત હોય તેને તત્વ છે કે નથી એવું ચૂંથણું કરવું ગમે જ નહિ. ભક્ત હોય તે તો એમ જાણે જે, ‘ભગવાન તે ભગવાન, એને વિષે ભાગત્યાગ કર્યાનો માગ નથી; એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે.” અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો અને જેને એવી એક મતિ હોય તેને સ્થિતપ્રજ્ઞ જાણવો અને જે પુરૂષને ભગવાનને વિષે એવી દ્રઢ મતિ છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે, તે ભગવાને ભગવદગીતામાં અર્જુન પ્રત્યે કહ્યું છે જે :

‘सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज | अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ||’

અને આ સંસારમાં પણ એવી રીત છે જે, જે થકી પોતાનો મોટો સ્વાર્થ સરતો હોય તેનો બુદ્ધિવાન હોય તે દોષ ગ્રહણ કરે નહિ, જેમ સ્ત્રી હોય તે પોતાના સ્વાર્થ સારૂ પતિનો દોષ ગ્રહણ કરતી નથી તથા બીજા પણ ગૃહસ્થો હોય તે પોતાના ભાઈ, ભત્રીજા, દીકરા ઈત્યાદિક જે સંબંધી તેને વિષે જો પોતાનો અતિશય સ્વાર્થ હોય તો દોષનું ગ્રહણ નથી કરતા; તેમ ભગવાન થકી જેણે મોટો સ્વાર્થ જાણ્યો હોય જે, ‘ભગવાન તો પાપ થકી ને અજ્ઞાન થકી મુકાવીને પોતાના ભક્તને અભયપદ આપે છે.” એવો મોટો સ્વાર્થ જાણ્યો હોય તો કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે જ નહિ, જેમ શુકજીએ રાસપંચાધ્યાયીનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો જે, ‘ભગવાને પરસ્ત્રીનો સંગ કેમ કર્યો ?” પણ શુકજીને લેશમાત્ર સંશય થયો નહિ અને જે ગોપીઓ સંગે ભગવાને વિહાર કર્યો તે ગોપીઓને પણ સંશય ન થયો જે, ‘ભગવાન હોય તો આમ કેમ કરે ?” એવો કોઈ રીતે સંશય થયો નહિ અને જ્યારે ભગવાન કુબ્જાને ઘેર ગયા ત્યારે ઉદ્ધવજીને ભેળા તેડી ગયા હતા તોપણ ઉદ્ધવજીને કોઈ રીતે સંશય થયો નહિ. અને જ્યારે ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા ત્યારે ગોપીઓની વાણી સાંભળીને પણ કોઈ રીતે સંશય ન થયો અને સામું ગોપીઓનું માહાત્મ્ય અતિશય સમજ્યા, માટે જેને ભગવાનનો અચળ આશ્રય થયો હોય ને તે અતિશય શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો જ હોય પણ તેની મતિ ભ્રમે નહિ. અને ભગવાનના જે દ્રઢ ભક્ત હોય તેનું જે માહાત્મ્ય તે પણ ભગવાનનો ભક્ત હોય તે જ જાણે; પછી શાસ્ત્રવેત્તા હોય અથવા ભોળો હોય પણ જેની ભગવાનને વિષે દ્રઢ મતિ હોય તે જ ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણે અને દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને ઓળખે પણ ખરા. અને તે વિના જે જગતના વિમુખ જીવ હોય તે તો પંડિત હોય અથવા મૂર્ખ હોય પણ ભગવાનને વિષે દ્રઢ મતિ પણ કરી શકે નહિ. અને જે દ્રઢ મતિવાળા ભક્ત હોય તેને પણ ઓળખે નહિ અને હરિજનનું માહાત્મ્ય પણ જાણે નહિ. માટે ભગવાનનો ભક્ત હોય તે જ ભગવાનના ભક્તને ઓળખે અને માહાત્મ્ય પણ તે જ જાણે; જેમ ઉદ્ધવજીએ ગોપીઓનું અતિશય માહાત્મ્ય જાણ્યું, તેમ ગોપીઓએ પણ ઉદ્ધવજીનું માહાત્મ્ય પણ જાણ્યું.

અને પુરૂષોત્તમ ભગવાન છે તે સર્વ ક્ષેત્રજ્ઞના ક્ષેત્રજ્ઞ છે તોપણ નિર્વિકાર છે અને માયા આદિક જે વિકારવાન પદાર્થ તેનો વિકાર પુરૂષોત્તમ ભગવાનને અડતો નથી. અને જે આત્મનિષ્ઠ પુરૂષ છે તેને પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણના વિકાર નથી અડતા, તો પુરૂષોત્તમ ભગવાનને ન અડે એમાં શું કહેવું ? ભગવાન તો નિર્વિકારી ને નિર્લેપ જ છે, એવી રીતે જે ભગવાનના સ્વરૂપને સમજે તે ભગવાનનો ભક્ત સ્થિતપ્રજ્ઞ જાણવો જેમ પોતાના આત્માને વિષે જેને સ્થિતિ હોય તે પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિષે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે પણ ભગવાનના ચરિત્રને વિષે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહિ એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરૂષોત્તમના સ્વરૂપને વિષે સ્થિતપ્રજ્ઞ જાણવો. અને જેને એવી પુરૂષોત્તમના સ્વરૂપને વિષે દ્રઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી.”

ઈતિ વચનામૃતમ || ૧૭ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30