વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૧૨

 

કલ્યાણને અર્થે પુરૂષપ્રયત્નરૂપ – રાજનીતિનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ વદિ ૬ છઠયને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીએ શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક વાત કરીએ છીએ તે સર્વ સાંભળો અને આ જે વાર્તા કહીશું તેમાં એક જ સાધન કલ્યાણને અર્થે કહીશું તે એકને વિષે સર્વે સાધન આવી જાય એવું એક બળવાન કલ્યાણનું સાધન છે તે કહીએ છીએ જે, દેહને વિષે જે જીવ છે તે એમ જાણે છે જે, ‘કામ ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે” એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિષે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઈત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે પણ જીવને વિષે તો એ એકે કુલક્ષણ છે નહિ. એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિષે માની લીધાં છે. માટે જેને પરમપદ પામવા ઈચ્છવું તેને કાંઈક પોતાને વિષે પુરૂષાતન રાખવું પણ છેક નાદાર થઈને બેસવું નહિ અને એમ વિચાર કરવો જે, ‘જેમ આ દેહમાં ચાર અંત:કરણ છે, દશ ઈન્દ્રિયો છે, પંચ પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિષે છું તે સર્વથકી અધિક છું ને એ સર્વનો નિયંતા છું.” પણ એમ ન માનવું જે, ‘હું તો તુચ્છ છું ને અંત:કરણ, ઈન્દ્રિયો તો બળવાન છે.” જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય પછી એના ઘરનાં મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહિ. પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહિ, પછી દેશનાં મનુષ્ય એ વાત સાંભળે ત્યારે દેશનાં મનુષ્ય પણ કોઈ હુકમ માને નહિ. પછી તે રાજા ગ્લાનિ પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ ઉપર હુકમ ચલાવે નહિ, તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરનાં મનુષ્યને ઠેકાણે અંત:કરણ છે ને ગામનાં ને દેશનાં મનુષ્યને ઠેકાણે ઈન્દ્રિયો છે. તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે ને પછી અંત:કરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઈચ્છે ત્યારે અંત:કરણ એનું કહ્યું કરે નહિ અને ઈન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઈન્દ્રિયો પણ એને વશ રહે નહિ. પછી એ જીવ કાયાનગરને વિષે રાજા છે તોપણ રાંકની પેઠે ઓશિયાળો થઈ રહે છે. અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિષે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે ને રાજાનું લેશમાત્ર ચાલવા દે નહિ, તેમ આ જીવના કાયાનગરને વિષે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને એ જીવનું લેશમાત્ર ચાલવા દેતા નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહિ ને જે પ્રકારે પોતાનાં ઈન્દ્રિયો ને અંત:કરણ તે સર્વે પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો, જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દબાવ્યો દબાય નહિ. અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને તેને મારવા જ માંડે, પછી પોતાનો દેશ હોય તે ઉજજડ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહિ તેણે કરીને પોતે દુ:ખિયો થકો વર્તે; એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે, તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહિ.”

પછી મુકતાનંદસ્વામીએ શ્રીજીમહારાજને પૂછયું જે,”કલ્યાણને ઈચ્છે તેને કેમ રાજનીતિ ભણવી ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “રાજનીતિ એમ ભણવી જે, પ્રથમ તો ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે જાણવું પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા પણ ગ્રામ્યવાર્તા હોય તે સાંભળવા દેવી નહિ તેમ જ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન તેનો જ સ્પર્શ કરે અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે અને રસના તે અખંડ ભગવદ્ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે અને નાસિકા તે ભગવાનનાં પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે પણ કુમાર્ગે કોઈ ઈન્દ્રિયને ચાલવા દે નહિ, એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિષે હુકમ કોઈ ફેરવે નહિ અને એવી રીતે પુરૂષપ્રયત્ને યુક્ત જે વર્તે ને નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને એ પુરૂષપ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પુરૂષપ્રયત્નરૂપી સાધનને વિષે આવે છે માટે પુરૂષપ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વ સાધન થકી મોટું સાધન છે.”

ઈતિ વચનામૃતમ || ૧૨ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30