વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ – ૨૮

 

ભગવાનની ભક્તિથી પડે તેના પ્રકાર – નિષ્કામભક્તનું

સંવત્ ૧૮૮૫ ના કાર્તિક વદિ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્કવેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્કવેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે, “ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠલોકમાં સ્ત્રીભોગ, ખાનપાન આદિક જે પંચવિષયનાં સુખ તેને પામીએ.” પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે, ‘એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા, લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે માટે એ સુખ પણ ખરૂં છે.” પણ ભગવાનને પૂર્ણકામ ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે. તે સારૂ જ્ઞાન-વૈરાગ્યે સહિત ભગવાનની ભક્તિ કરવી. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે, ‘સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચવિષયમાં જે સુખ તેતો એ ભગવાનના સુખનો કિંચિત્ લેશ છે.” એમ ભગવાનને માહાત્મ્યે સહિત જે સમ જ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહિ. અને ‘એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકનાં જે સુખ તે તો નરક જેવાં છે” એમ મોક્ષધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બેય પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે.”

પછી શ્રીજીમહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછયો જે, “ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે ?” પછી શ્રીજીમહારાજે ઉત્તર કર્યો જે, “એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચ્યપ રહી ગઈ છે તે શું ? તો કોઈકને સ્વાદે કરીને સારૂં સારૂં ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે, ત્યારે તેનું અંતર પાછું પડી જાય તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે, ‘આ તારૂં ધન, માલ, ખેતર, વાડી તે કોઈકને આપી દે” ત્યારે તે વચન પળે નહિ, તેણે કરીને પાછો પડી જાય. તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય ને જેજે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે. જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહિ અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાઈ આવે જે, ‘આવી રીતને અંગે હું કાચો છું તે જો મને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ.” એમ યથાર્થ જાણે.”

પછી બ્રહ્માનંદસ્વામી તથા શુકમુનિ તથા સુરોખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછયું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં ક્યો અવગુણ છે ?” ત્યારે એ ત્રણે કહ્યું જે, “હે મહારાજ ! માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મૂંઝવણ થાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પૂછીએ છીએ જે, “धुपतय एव ते न ययुरन्तमनन्ततया” એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન, ઈર્ષા, ક્રોધ કેમ થાય ? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે; કેમ જે ગવર્નર સાહેબને જાણ્યો છે જે એ સમગ્ર પૃથ્વીનો પાદશાહ છે ને બળિયો છે ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય, તો તેનો હુકમ મોટો રાજા હોય તે પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે જે, તે રાજાએ એમ જાણ્યું છે જે ‘બળિયો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલિયો છે.” અને ‘જેથી જે બળિયો તેની આગળ માન રહે નહિ,” તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે ?” પછી બ્રહ્માનંદસ્વામીએ કહ્યું જે, “હે મહારાજ ! તમે ઠીક કહો છો, જો એમ માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય તો માન, ઈર્ષા, ક્રોધ તે સંતની આગળ થાય જ નહિ.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જુવોને, ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાહ્યા હતા પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિષે હેતવાળી જે વ્રજ ની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારૂ વનવેલીનો અવતાર માગ્યો, તે કહ્યું છે જે-

‘आसामहो चरणरेणुजुषामहं स्यां
चृन्दावने किमपि गुल्मलतौषधीनाम् |
या दुस्त्यजं स्वजनमार्यपथं च हित्वा
भेजुर्मुकुन्दपदवीं श्रुतिभिर्विमृग्याम् ||’

તથા બ્રહ્માએ પણ કહ્યું જે-

‘अहो भाग्यमजहो ! भाग्यं नन्दगोपव्रजौकसाम् |
यन्मित्रं परमानंदं पूर्ण ब्रह्म सनातनम् ||’

એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું માહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા, તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષા, ક્રોધ રહે જ નહિ ને તેને આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહિ. અને એમ મનમાં થાય નહિ જે, ‘હવે તો ક્યાં સુધી ખમીએ ? આપણ તો આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું.” તે માટે એમ માહાત્મ્યે સમજે તો માન ટળે,” એવી રીતે વાર્તા કરી.

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને શૂળીએ ચઢાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે, ‘આ ભગવાન મને શૂળીના કષ્ટ થકી મૂકાવે તો ઠીક.” એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે.”

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાન સંબંધી સુખને કોણ પામે છે તો તે કહીએ છીએ જે, જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે. તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય. તેમ જેને પંચવિષયે કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મૂવા જેવો થઈ જાય છે. એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહિ અને પંચવિષયે કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે.”

ઈતિ વચનામૃતમ || ૨૮ ||


Fatal error: Call to undefined function previous_page_not_post() in /var/www/vhosts/swaminarayanvadtalgadi.org/httpdocs/wp-content/themes/svg-new/page.php on line 30