વચનામૃત સારંગપુર પ્રકરણ ૧૧

 

પુરુષપ્રયત્ન ને પરમેશ્વરની કૃપાનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૩૦ અમાસને દિવસે સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ ગામશ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો જે, “પુરૂષપ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરૂષપ્રયત્ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સદગુરુ ને સતશાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગ્યને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાળતો હોય અને અહિંસાધર્મને વિષે પ્રીતિવાન હોય અને આત્મનિષ્ઠા પણ અતિપરિપકવ હોય તો તેને માથેથી જન્મમરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરૂં ઊતર્યું તે શાળ પાછી ઊગે નહિ, તેમ કહ્યાં એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મમરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે, આટલું તો પુરૂષપ્રયત્ને કરીને થાય છે. અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે જે, ‘निरंजन: परमं साम्यमुपैति |’ એ શ્રુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે, કહેતાં જેમ ભગવાન શુભ-અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ-અશુભ કર્મે કરીને બંધાય નહિ. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને કયારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને કયારેક તો નોખાં રહ્યાં થકાં ભગવાનની સેવામાં રહે છે તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિષે કયારેક તો લીન થઈ જાય છે અને કયારેક તો મૂર્તિમાનથકો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.”

પછી નિત્યાનંદસ્વામીએ પૂછયું જે, “જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજાં જે ભગવાનનાં ધામ છે તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે, જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યાં છે અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય. અને ‘अनेक जन्मसंसिद्धस्ततो याति परां गतिम् |’ એ શ્લોકનો પણ એ જ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક-ચોરાશીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યું એવાં વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યાં એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે ને આત્યંતિક મોક્ષને પામશે પણ તે વિના તો નહિ જ પામે.”

પછી નૃસિંહાનંદસ્વામીએ પૂછયું જે “આ દેહે કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,”જો ખબડદાર થઈને મંડે તો આ ને આ દેહે જ સર્વે કસર મટી જાય અથવા દેહપર્યંત કસર ન મટી હોય અને અંત સમે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી.”

ઈતિ વચનામૃતમ || ૧૧ ||