વચનામૃત કારિયાણી પ્રકરણ ૪

 

જીવ અને સાક્ષીના જાણપણાનું

સંવત્ ૧૮૭૭ના આસો વદિ ૮ અષ્ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રીકારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ગોપાલાનંદસ્વામીએ ભજનાનંદસ્વામીને પૂછયું જે, “આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે ?” પછી ભજનાનંદસ્વામીએ ઉત્તર કરવા માંડયો પણ ઉત્તર થયો નહિ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખાપર્યંત વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઈન્દ્રિયોની ક્રિયાને એકકાળવછીન્ન જાણે છે તે બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે, તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. અને તે જીવને વિષે સાક્ષી રહ્યા છે માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું.”

ત્યારે શ્રીજીમહારાજને નિત્યાનંદસ્વામીએ પૂછયું જે, “હે મહારાજ ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિષે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાષ્ઠને વિષે રહ્યો છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિષે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિષે વ્યાપીને રહ્યા છે ને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છે; માટે એને પણ મૂર્તિમાન જાણવા.”

ઈતિ વચનામૃતમ || ૪ ||