વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧૭

 

સત્સંગમાં કુસંગ-મોળી વાત ન કર્યાનું

સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૫ પાંચમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળી પાધ બાંધી હતી અને પીળાં પુષ્પની માળા પહેરી હતી અને પીળાં પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા.

તે સમયને વિષે મુક્તાનંદસ્વામી તથા ગોપાલાનંદસ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજીમહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે, “આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જે, પરમહંસ તથા સાંખ્યયોગી તથા કર્મયોગી સર્વ સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે તો જે ‘વાતના કરનારા હિમત્ય વિનાની વાત કરે છે” તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે, ‘ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે? અને વર્તમાનધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે? માટે જેટલું પળે તેટલું પાળીએ અને ભગવાન તો અધમઉદ્ધારણ છે તે કલ્યાણ કરશે;“ અને વળી એમ વાત કરે છે જે, ‘ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યુ ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે” એવી રીતે મોળી વાત કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ઈત્યાદિ જે ભગવાનની પ્રસન્નતાનાં સાધન, તેમાંથી બીજાને મોળા પાડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ હિમત્યરહિત વાત કરશો નહિ. સદા હિમત્ય સહિત જ વાત કરજ્યો અને જે એવી હિમત્ય રહિત વાત કરે તેને તો નપુંસક જાણવો અને એવી હિમત્ય વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ ઉપવાસ કરવો.”

ઈતિ વચનામૃતમ || ૧૭ ||