વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૬૭

 

મુમુક્ષુને વિષે સત્પુરુષના ગુણ આવ્યાનું

સંવત્ ૧૮૭૬ના ચૈત્ર સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછયો જે, “કોઈ સત્પુરૂષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિષે વાસના છે. અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે, ‘આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિષે પ્રીતિ થાય તો ઘણું સારૂં છે.” અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહિ, એવા જે સત્પુરૂષ હોય તેના સરખા જે ગુણ તે મુમક્ષુને વિષે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ન આવે ?” એ પ્રશ્ન છે. પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરૂષ છે, તેને વિષે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરૂષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા સત્પુરૂષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે, જે પુરૂષને પરમેશ્વર વિનાની બીજે કયાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે ‘આ પુરૂષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તોપણ લેશમાત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસકત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશમાત્ર સમજતો જ નથી માટે મને ધિક્કાર છે” એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરૂષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે. પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિષે વૈરાગ્ય ઊપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. હવે જેના હૃદયમાં સત્પુરૂષના ગુણ ન જ આવે તેનાં લક્ષણ કહીએ તે સાંભળો જે, જે પુરૂષ એમ સમજે જે, ‘આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતાંપીતાં પણ આવડતું નથી અને ઓઢતાંપહેરતાં પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતાં પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે.” એવી રીતે સત્પુરૂષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે, એવો જે કુમતિ પુરૂષ હોય તેને વિષે કોઈ કાળે સત્પુરૂષના ગુણ આવે જ નહિ,”

ઈતિ વચનામૃતમ || ૬૭ ||