વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૪૮

 

ચાર પ્રકારના કુસંગીથી રક્ષાની પ્રાર્થનાનું

સંવત્ ૧૮૭૬ના મહા સુદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડામધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યાસમે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભકતની સભા ભરાઈને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલો બળતી હતી અને શ્રીવાસુદેવનારાયણની સંધ્યાઆરતી તથા નારાયણધૂન્ય થઈ રહી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સર્વે સાવધાન થઈને સાંભળો એક વાર્તા કરીએ છીએ.” ત્યારે સર્વે મુનિ તથા હરિભકત બોલ્યા જે,”હે મહારાજ ! કહો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે ભગવાનનો ભકત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને ને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જે, ‘હે મહારાજ ! હે સ્વામિન્ ! હે કૃપાસિંધો! હે શરણાગતપ્રતિપાળક ! કુસંગીથકી મારી રક્ષા કરજયો.” તે કુસંગી ચાર પ્રકારના છે -એક કુંડાપંથી, બીજા શકિતપંથી, ત્રીજા શુષ્કવેદાંતી અને ચોથા નાસ્તિક. એ ચાર પ્રકારના કુસંગી છે, તેમાં જો કુંડાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે અને જો શકિતપંથીનો સંગ થાય તો દારૂ-માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે અને જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભકિત-ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચાં કરીને પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે, માટે ભગવાનની પાસે માગવું જે, “એ ચાર પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહિ.” અને વળી એમ પ્રાર્થના કરવી જે, “હે મહારાજ ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિક જે અંત:શત્રુ તે થકી રક્ષા કરજ્યો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજ્યો.” એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગીથકી ને અંત:શત્રુથકી નિરંતર ડરતા રહેવું.”

ઈતિ વચનામૃતમ || ૪૮ ||