વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧૫

 

જેના હૃદયમાં ભક્તિ હોય તેની વૃત્તિનું

સંવત્ ૧૮૭૬ ના માગશર વદિ ૩ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઠડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ‘ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે.” એમ તેના હૈયામાં હિમત્ય રહે. અને ‘આટલું વચન મારાથી મનાશે અને આટલું નહિ મનાય” એવું વચન તો ભૂલ્યે પણ ન કહે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ધાટ-સંકલ્પ થાય અને હઠાવ્યા હઠે નહિ તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે, તે ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ થાય અથવા પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્ણભગવાને ગીતામાં કહ્યું છે જે- ‘અનેકજાન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ >“ તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ.”

ઈતિ વચનામૃતમ || ૧૫ ||