વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧૧

 

વાસનાનું રૂપ અને એકાંતિક ભક્તના લક્ષણનું

સંવત્ ૧૮૭૬ માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી બ્રહ્માનંદસ્વામીએ પૂછયું જે, “હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૂર્વે જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંત:કરણને વિષે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંત:કરણને વિષે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ.”

ત્યારે મુકતાનંદસ્વામીએ પૂછયું જે, “હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભકત કેને કહીએ ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભકિત કરતો હોય તે એકાંતિક ભકત કહેવાય.”

ઈતિ વચનામૃતમ || ૧૧ ||