વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૪૯

 

ભગવાનની મૂર્તિ અને માયિક આકારમાં ઘણો ફેર છે, કથાકીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું

સંવત્ ૧૮૮૦ના ફાગણ સુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પાઘમાં ધોળાં પુષ્પનો હાર લટકતો મૂક્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ઘણો ફેર છે પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે કેમ જે, માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંત કોટિ કલ્પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે, તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેનાં બંધનથકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કિર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું.”

ઈતિ વચનામૃતમ || ૪૯ ||