વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૪૭

 

પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું – વિષયખંડન નું

સંવત્ ૧૮૮૦ના મહા વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પીળી છીંટની રજાઈ ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય, તેને જો મન દઈને માણસાઈએ રાખતાં આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતાં આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહિ. અને જે સાધુને મોક્ષનો ખપ હોય, તેને તો જેમ દુ:ખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદસ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં દૂધ, ગળ્યું ચીકણું કાંઈ ખાવા દેતો નથી, તેમ જે સમજુ હોય તેને એમ જણાય જે, ‘આ રોગે સારૂં સારૂં ખાવાપીવાનું સર્વે ખંડન કરી નાખ્યું, માટે આ તો ક્ષયરોગરૂપે જાણીએ, કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું ?” એમ ભાસે છે. શા માટે જે, શિશ્ન ને ઉદર એ બેને વિષે જે જીવને આસક્તિ છે એ જ અસત્પુરૂષપણું છે. તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટયને કાઢે એવો છે, તેમ એ રોગની પેઠે જે સત્પુરૂષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુ:ખાઈ જવું નહિ, અને જે ખાધાપીધાની લાલચે કે લુગડાંની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો. તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતાં વિમુખ થાય.

અને વળી સંતને કોઈ સારૂં પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તથા જે પંચવિષયનો લાલચી હોય, એ બે તો પંચમહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજુ હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ; કેમ જે, આ સભા તો જેવી બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે, તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાળ્યાનું ઠેકાણું કયાં મળશે ? અને પંચવિષય છે તે તો પૂર્વે દેવ-મનુષ્યાદિકને વિષે અનંત દેહે કરીને આપણે જીવે ભોગવ્યા છે તો પણ હજી લગણ એ વિષયની તૃપ્તિ થઈ નથી, તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષ કે બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહિ. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહિ, તેમ ઈંદ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહિ. માટે હવે તો વિષયની આસક્તિને ત્યાગ કરીને અને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહિ. તે મુક્તાનંદસ્વામીના કિર્તનમાં કહ્યું છે જે, ‘શૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીયે રે.” માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું પણ અશુભ વાસના સોતાં મરવું નહિ અને ‘આ દેહમાંથી નીસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે.” એવી વાસના રાખવી અને એમ કરતાં થકાં જો બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા ને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહિ ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું, તેમ શુભ વાસના રાખતાં બ્રહ્મલોકમાં કે ઈન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે, ‘માથાભર નરકના ખાડામાં પડયા છીએ” એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઈન્દ્રલોકના ભોગને ત્યાગ કરીને ભગવાનના ધામમાં પૂગવું, પણ વચમાં ક્યાંઈ ન રહેવું એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે, તેમ આપણે પણ હરિભક્તનું માહાત્મ્ય જાણ્યું જોઈએ; જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી માહાત્મ્ય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું માહાત્મય જાણીએ છીએ તેમ આપણી ગૃહસ્થ અન્નવસ્ત્રે કરીને ચાકરી કરે છે તેમ આપણે પણ એમનું માહાત્મ્ય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી, એમ અરસપરસ માહાત્મ્ય સમજીને હરિભક્તની સોબત્ય રાખવી.”

ઈતિ વચનામૃતમ || ૪૭ ||