વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૩૮

 

માંચાભક્તનું – એકાંતિકનાં પ્રવેશનું

સંવત્ ૧૮૮૦ના ભાદરવા વદિ ૬ છઠયને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે “સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્ર, નાટક-ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહિ. અને જે હરિભક્ત હોય ને જંત્રમંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તે પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા, તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડયો નહિ અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા. અને કોઈક કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડયું ને પછી એ ભક્તને કહ્યું જે, ‘ તમે સદાવ્રતી છો માટે તમને આ બૂટી બતાવીને રૂપું કરવા શીખવું.” પછી એ ભકતે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂકયો અને તેને એમ કહ્યું જે, ‘અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી.” પછી એ ભકતને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભકત થયા, માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય ને બીજો વૈરાગ્ય હોય ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય ને ચોથી શ્રીકૃષ્ણ ભગવાનને વિષે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભકત જયારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રવેશ થાય છે અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે, અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણવાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે ને જેમ ધણીક દોલતવાળો હોય ને તે વાંઝિયો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંઘાથે બંધાયો હોય તેને વિષે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો; એ તો જેનો જેને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિષે હેત ઊપજે નહિ ને એક તેની જ રટના લાગી રહે ને તે વિના જીવે તે મહાદુ:ખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય.”

ઈતિ વચનામૃતમ || ૩૮ ||