Have Mara Vahala Ne – Guj

Have Mara Vahla Ne

હવે મારા વાલાને

colorbar

પદ-૧

હવે મારા વાલાને નહિ રે વિસારું રે,
શ્વાસ ઉચ્છવાસે તે નિત્ય સંભારું રે || ૧ ||
પડયું મારે સહજાનંદજી શું પાનું રે,
હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે || ૨ ||
આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે,
એ વર નહિ મળે ખરચે નાણું રે || ૩ ||
એ વર ભાગ્ય વિના નવ ભાવે રે,
એ સ્નેહ લગ્ન વિના નવ આવે રે || ૪ ||
દુરિજન મન રે માને તેમ કહેજો રે,
સ્વામી મારાં હૃદયની ભીતર રહેજો રે || ૫ ||
હવે હું તો પૂરણ પદવીને પામી રે,
મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી રે || ૬ ||

પદ-૨

હવે મારા વહાલાનાં દર્શન સારું,
હરિજન આવે હજારે હજારૂં || ૧ ||
ઢોલિયે બિરાજે સહજાનંદ સ્વામી,
પૂરણ પુરુષોત્તમ અંતરજામી || ૨ ||
સભા મધ્યે બેઠા મુનિનાં વૃંદ;
તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ || ૩ ||
દુરગપુર ખેલ રચ્યો અતિ ભારી,
ભેળા રમે સાધુ અને બ્રહ્મચારી || ૪ ||
તાળી પાડે ઉપડતી અતિ સારી,
ધૂન થાય ચૌદ લોક થકી ન્યારી || ૫ ||
પાઘલડીમાં છોગલિયું અતિ શોભે,
જોઈ જોઈ હરિજનનાં મન લોભે || ૬ ||
પધાર્યા વહાલો સર્વે તે સુખના રાશિ,
સહજાનંદ અક્ષરધામના વાસી || ૭ ||
ભાંગી મારી જન્મોજન્મની ખામી,
મળ્યા મને નિષ્કુળાનંદના સ્વામી || ૮ ||