Sukhanand Swami

સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક દર્શનીય પરમ પવિત્ર પ્રાતઃસ્મરણીય સંતો થઈ ગયા કે જે સંતો સતત પરિભ્રમણ કરી લોક હૃદય સુધી પહોંચી તેમનાં હૃદયની વેરાન ભૂમિમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન વૈરાગ્ય રૂપી પુષ્પનો સુંદર સુવાસિત મધમધતો બાગ બનાવ્યો. તે બાગના નિર્માણમાં સુખાનંદ સ્વામી પણ એક હતા.

સુખાનંદ સ્વામીનો જન્મ “ઉજ્જૈન” માં એક નાગર બ્રાહ્મણને ત્યાં થયો હતો. સાચા મુમુક્ષુ હોવાથી સદ્‌ગુરૂની શોધ કરતા રામાનંદ સ્વામીનો ભેટો થયો અને તેમની પાસેથી દીક્ષા લીધીને ‘‘સુખાનંદ’’ એવું શુભ નામાભિધાન થયું.

લોજની વાવે મહારાજનાં દર્શન થયાં તેથી મહારાજમાં અપાર હેત થયું. પરંતુ તેમને પોતાનાં માતા-પિતાને શ્રીહરિનાં આશ્રિત કરી તેમનું કલ્યાણ કરવાની ઈચ્છા હતી. તેથી તેમને ઉજ્જૈન જવાનો આગ્રહ હતો. શ્રીહરિએ તેમને કહ્યું કે, તમારી આવરદા એક વર્ષની છે,માટે તમે અમારી સેવામાં રહો. પરંતુ પ્રબલ ઈચ્છા હોવાથી સુખાનંદ સ્વામી સંવત્‌ ૧૮૬૯ માં જેતલપુરથી એકલા જ ચાલી નીકળ્યા. છાાલતા રસ્તામાં એક ગામના ચોરામાં જય સ્વામિનારાયણ કહીને ખીટીંએ ઝોળી લટકાવી ને તે જ ક્ષણે ચોરામાં ચોમેર તેજ છવાઈ ગયું.

ચોરામાં રહેતા બે બાવાને આ દ્રશ્ય જોઈ શ્રીહરિના આશ્રિત થવાની ઈચ્છા થઈને એમણે સમર્પિત થવાની અદમ્ય ઈચ્છા જણાવી. તેથી સુખાનંદ સ્વામીએ તે બાવાને દીક્ષા આપી એકનું નામ ‘રામાનુજાનંદ’ પાડ્યું અને બીજા બાવાનું નામ ‘ગોપાળાનંદ’ પાડ્યું. પછી તે ગ્વાલિયર દેશમાં જઈને પોતાના માતા-પિતા તથા પોતાના બે ભાઈ અને તેમની જ્ઞાતિને સત્સંગના રંગે રંગી નાખ્યા.

બંગાળ દેશનો એક કાયસ્થ કરોડ પતિ હતો. તે ગોકુળમાં આવીને વૃંદાવનમાં આરસનું શિખરબંધ મંદિરબનાવી રાધાકૃષ્ણની પ્રતિમા પધરાવી અને પોતે બ્રાહ્મણોને જમાડી દાન આપતા. અભ્યાગ તને પકવાન જમાડતાને પોતે નિત્ય લૂખું અન્ન જમતા. સાચા મુમુક્ષુ હોવાથી પ્રગટની ઉપાસના કરતા સુખાનંદ સ્વામી મળ્યા. એક મહિનો ત્યાં રોકાઈને કાયસ્થને કથા વાર્તા કરી. તેથી સત્સંગની વાત સાંભળીને તેમને પ્રગટ ભગવાન છે તેવી પ્રતિતી થઈ.

તેથી કાયસ્થે એક પત્ર લખ્યોને સુખાનંદ સ્વામીને આપ્યો અને સાથે મથુરાના પેંડા તથા અત્તરની શીશી આપીને કહ્યું કે આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણને હાથો હાથ આપજો. સુખાનંદ સ્વામી ગ્વાલિયર પહોંચ્યાને ત્યાં તેમનો દેહ છૂટી ગયોને અક્ષર વાસી થયા. સુખાનંદ સ્વામીના બે ભાઈઓ સત્સંગી હતા. તેથી મહારાજનાં દર્શન કરવા વરતાલ આવ્યા. શ્રીહરિએ કુશળ સમાચાર પૂછ્યા ત્યારે શ્રીહરિને પત્ર આપ્યો. પત્ર વાંચીને મહારાજ કહે તેને સત્સંગમાં ભાવ હતો અને કાયસ્થ શેઠ મરણ પામ્યા છે, તેથી સત્સંગીને ઘેર જન્મ લેશે.

પ્રગટ પરમાત્મા શ્રીહરિની પ્રતીતિ કરાવવા પરિભ્રમણ કરીને સત્સંગ સેવા યજ્ઞમાં પોતાના જીવનની આહુતિ આપી તેમાંથી નીકળતી ધૂમ્રસેરોને ચોમેર ફેલાવી પ્રેરણા પુંજનો પ્રકાશ પાથરનાર સદ્‌ગુરૂ સુખાનંદ સ્વામીનાં ચરણોમાં શતશઃ પ્રણામ…

swaminarayan,Vasudevanand Brahmachari

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞારૂપી આકરી ભઠ્ઠીમાં સિધ્ધ થયેલાં શુધ્ધ કંચનસમા, તપ-ત્યાગ પ્રધાન, પરોપકારમય ભક્તિનિષ્ઠ જીવન જીવી અનેક આત્માઓનો ઉધ્ધાર કરનાર બેઠી દડીના વાસુદેવાનંદ બ્રહ્મચારી સાબરકાંઠા જીલ્લામાં મોડાસા પાસે ‘માલપર ’નામનાં ગામનાં હતા. તેમનો જન્મ ત્રવાડી મેવાડા બ્રાહ્મણ પરિવારમાં સંવત્‌ ૧૮પપ માં થયો. તેમનું પૂર્વાશ્રમનું નામ ‘જીવતરામ શર્મા’ હતું. યજ્ઞોપવીત સંસ્કાર પછી ભણવામાં રુચિ હોવાથી શ્રીહરિના આશ્રિત લક્ષ્મીરામ શાસ્ત્રી પાસે નાંદોલ ગામમાં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો.

લક્ષ્મીરામ શાસ્ત્રી શાસ્ત્રોના અધ્યાપન સાથે જીવતરામને પ્રગટ પુરૂષોત્તમનું સ્વરૂપ સમજાવતા. તેથી શ્રીહરિને વિષે તેને પ્રીત બંધાણી. સંવત્‌ ૧૮૬૭માં શ્રીજી મહારાજ જેતલપુર પધાર્યા હતા.જીવતરામને મહારાજના દર્શન કરવાની ઉત્કટ લાલસા થવાથી તેઓ લક્ષ્મીરામ સાથે ગયા.

પૂર્વની પ્રીત જાગી ઉઠી. જીવતરામનાં અંતરમાં મહારાજની મૂર્તિ વસી ગઈ. ત્રણ-ચાર દિવસના રોકાણ પછી લક્ષ્મીરામ શાસ્ત્રીને કહ્યું ‘‘ ઘેર કહી દેજો મારી ચિંતા ન કરે’’ અને મહારાજને વિનંતી કરી. પ્રભુ ! મને ત્યાગીની દીક્ષા આપો. જીવતરામની ઉત્કટ મુમુક્ષુતા, જીજ્ઞાસુતા, વૈરાગ્ય-વિવેક વગેરે ગુણો પીછાળીને શ્રીજી મહારાજે જેતલપુરમાં ત્યાગીની દીક્ષા આપી. ‘‘ વાસુદેવાનંદ ’’ એવું શુભ નામ પાડ્યું.

વાસુદેવાનંદ વર્ણીને નિત્યાનંદ સ્વામી ભણાવતા હતા. તેઓ નમણા અને નાજુક હોવાથી વર્ણી સૌને ગમતા. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું અઠંગ પાલન કરનાર તેઓ યતિવર હતા. તેથી મહારાજ તેમને સનતકુમાર કહેતા. મહારાજે તેમનાં નિષ્કામી વર્તમાનની પ્રશંસા કરીને લોયામાં તેમની પૂજા અર્ચન કરી ચરણોદક પીધું હતું.

વાસુદેવાનંદ વર્ણી રૂપે ગુણે પૂર્ણ હતા. તેઓ કથા કરતાં ત્યારે મોટા મોટા વિદ્વાનો તથા રાજાઓ પણ મંત્રમુગ્ધ થઈને મહારાજના આશ્રિત થતા.એમની રસાળશૈલી અને સાધુતા યુક્ત જીવનના પ્રભાવથી પ્રાંતીજના બ્રાહ્મણ હરિશંકર શુક્લ વર્તમાન ધરાવી સત્સંગી થયા હતા.

સંવત્‌ ૧૮૮૪ની વૈશાખ વદ ર ના દિવસે જૂનાગઢમાં શ્રીજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠા પછિ પ્રથમ પૂજારી તરીકે ગુણાતીતાનંદ સ્વામીની વિનંતીથી વાસુદેવાનંદ વર્ણીને કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાહિત્ય સેવામાં વાસુદેવાનંદજીએ શ્રીજી મહારાજનાં લીલા ચરિત્રોથી ભરપુર સંસ્કૃત ગ્રંથ ‘‘ સત્સંગિ ભૂષણ ’’ રચ્યો છે. લાલિત્ય પૂર્ણ અને અર્થ ગાંભીર્ય યુક્ત આ ગ્રંથમાં શ્રીજી મહારાજનું સર્વ નિયંતાપણુ, સર્વાવતારીપણું ગુંથ્યું છે

તેઓએ આ ગ્રંથનું લેખન કાર્ય કપડવંજ, શિયાણી, અમદાવાદ, વહેલાલ,પેથાપુર વગેરે જગ્યાએ રહીને કર્યું છે. વાસુદેવાનંદ વર્ણીએ હાલાર, ઝાલાવાડ,મચ્છુકાંઠો તથા ગુજરાતમાં સત્સંગ કરાવી લોકોને ભગવત્પ્રેમી કર્યા હતા.આવા શ્રીજી મહારાજની માળાના મણકા સમાન વર્ણીનો અક્ષરવાસ સંવત્‌ ૧૯ર૦ કારતક વદ ૧૦ ના રોજ અમદાવાદમાં થયો હતો. અમદાવાદમાં સાબરમતી નદીનાં તટે નારાયણ ઘાટ પર એમની છત્રી છે.

તેઓ ધામમાં ગયા પછી એમણે રચેલ સત્સંગિ ભૂષણ ગ્રંથની ટીકા આચાર્ય કેશવપ્રસાદજી મહારાજની આજ્ઞાથી હળવદના શાસ્ત્રી કૃપાશંકરે કરેલ. જ્યારે કૃપાશંકર શાસ્ત્રીને શ્લોકના અર્થ બેસતાં નહીં ત્યારે વાસુદેવાનંદજી વર્ણી સ્વપ્નમાં દર્શન દઈને કૃપાશંકર શાસ્ત્રીને શ્લોકોના અર્થ સ્પષ્ટ કરતા.

આવા વિદ્વત્‌વરેણ્ય, મહારાજના લાડકવાયા પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યની આભા પ્રભાથી અનેકને પરમાનંદની પ્રાપ્તિ કરાવનારા વાસુદેવાનંદ વર્ણીના ચરણમાં શતશઃ પ્રણામ…

swaminarayan,Shukanand swami

~: સદગુરુ શ્રી શુકાનંદ સ્વામી :~

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં આજીવન દસ્તાવેજ જેવી જીંદગી જીવનાર સિદ્ધહસ્ત લેખક, શ્રીહરિના જમણા હાથનું બિરુદ પ્રાપ્ત કરનાર સંતવર્ય સદગુરુ શ્રી શુકાનંદસ્વામી શ્રીજી મહારાજના અતિવ્હાલા સંતોમાંના એક હતા.
સ્વામીશ્રીનો જન્મ વિ.સં.1855માં ડભાણ ગામે રહેતા પવિત્ર ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણનું નામ જગન્નાથ હતુ. મેઘાવી પ્રતિભાથી વિદ્યાભ્યાસમાં ટૂંક સમયમાં સારી એવી પ્રગતિ કરેલી.સ્વભાવે બાલ્ય અવસ્થામાંથી ભગવદ પારાયણ હતા. પરિણામે શ્રીહરિની આજ્ઞાથી ડભાણમાં સંસ્કૃત અભ્યાસ માટે રહેતા સંતો સાથે હેત-પ્રીત થતા સત્સંગ થયો.શ્રીજી મહારાજની સેવા કરવા ગઢપુર ગયા.દિક્ષા પ્રસંગે મહારાજે તેમને સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા.સ્વામીએ તેમને દિક્ષા આપી શુકાનંદ નામ પાડ્યુ.ત્યારે મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી પણ જાણે છે કે આ શુકદેવજી સ્વયં છે.

શુકમુનિની વિદ્વતા,સાધુતા અને લેખનશૈલીથી શ્રીહરિ અતિ પ્રસન્ન રહેતા.અક્ષરઓરડીની બાજુમાં જ મહારાજે તેમને ઓરડી આપેલી સ્વામીએ સતત શ્રીહરિના પત્રો,ગ્રંથોનું લેખન કાર્ય કર્યુ છે.નિઃસ્વાર્થ, નિખાલસ સેવા પ્રવૃત્તિથી પ્રસન્ન થઈને એકવાર શ્રીહરિ સભામાં સ્વામીનો હાથ ઉંચો કરીને બોલેલા કે કોઈ ધારણા-પારણા કે કોઈ ચાન્દ્રાયણ કરે પણ આ શુકમુનિ તુલ્ય થાય નહિ.વચનામૃતને પાને નોંધાયુ છે કે આ શુકમુનિ તો બહુ મોટા સાધુ છે.અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે.તે દિવસથી એમનો ચડતોને ચડતો રંગ છે.પણ મંદ પડતો નથી.માટે તો એ મુક્તાનંદ સ્વામી જેવા છે.ટૂંકમાં સ્વામીની સાધના સફળ થયેલી.એમણે શ્રીજીનો લખલુંટ રાજીપો મેળવેલો.

સ્વામીએ સેવાની સાથે સાહિત્યક્ષેત્રે સંસ્કૃતમાં 7 અને ગુજરાતીમાં 9 ગ્રંથો રચ્યા છે.એકવાર સ્વામી શ્રીહરિના સાનિધ્યમાં પત્રલેખન કરતા હતા ત્યારે દીપ બુઝાય જતા શ્રીહરિએ જમણા પગના અંગુઠામાંથી તેજ રશ્મિઓ પાથરીને સ્વામીનો અધુરો પત્ર પુરો કરાવ્યો હતો.આ લીલા અતિપ્રસિદ્ધ છે.

કોઈવાર અતિઆનંદમાં આવીને શ્રીજી મહારાજ કહેતા કે અમને ત્રણ વસ્તુ બહુ ગમે છે.ડભાણીયા સંત, ડભાણીયો આંબો,ડભાણીયા બળદ.

શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી સ્વામી સતત વિયોગમાં ઝંખી રહેતા.છતાગામડે ગામડે ફરતા અને સત્સંગીઓને અપૂર્વ બળ આપતા.સ્વામીએ શિક્ષા માટે દેહાધ્યાસ ટાળવા સતત 12 વર્ષ સુધી શરીરમાં મંદવાડને સ્થાન આપ્યુ હતુ.શ્રીહરિએ કૃપા કરીને સ્વામીનો તાવ કાઢેલો.તે 12 વર્ષ તાવનું દુઃખ સહન કરીને સં.1925 માગશર વદ પાંચમના રોજ વડતાલમાં દુઃખગ્રસ્ત શરીર છોડીને શ્રીહરિના સાનિધ્યમાં પહોંચ્યા.

⊍ જય સ્વામિનારાયણ ⊍

swaminarayan,Shatanand swami

ઓગણીસમી સદીના અતિ કપરા સમયમાં ભગવાન સ્વામિનારાયણે અડિખમ યોધ્ધા સમાન બ્રહ્મનિષ્ઠ સંતોને તૈયાર કરી માનવ કલ્યાણની નિર્મલ ભાવનાથી જ્ઞાનગંગાનો પ્રબળ પ્રવાહ મહાતપસ્વી દ્રઢ નિષ્ઠાધારી સંતો દ્વારા વહાવી સત્સંગની દેશદેશાંતરમાં સુવાસ પ્રસરાવી હતી.

એક ધ્યાની સંત શાંતાનંદ સ્વામી દંઢાવ્ય દેશના કડી-કલોલ પાસે “માથાસરુ ” ગામના હતા. ઉત્સવ સમૈયામાં “માથાસુર” ગામના ભક્તો શ્રીહરિના દશર્ન કરવા ગઢપુર ગયાં. ત્યાં પ્રાર્થના કરતા પ્રભુને કહ્યું : ‘‘ પ્રભુ ! અમારે ગામ પધારો. ’’ શ્રીજી મહારાજે કાલે આપ્યો હતો કે, એકવાર જરૂર પધારીશ. સમય જતાં એકવાર શ્રીહરિ માથાસરુ ગયા. ગામના પ્રેમી ભક્તોને વશ થઈ કરૂણાસાગર શ્રીહરિ કંસાર જમે છે.

ત્યાં એક પવિત્ર બ્રાહ્મણ ઉપરથી ઘી પીરસે છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલ એ બ્રાહ્મણ મહારાજના મિલનની માધુરી માણતા હતાં ત્યાં શ્રીહરિએ ચળું કરવા પાણી માંગ્યું ને તે પ્રમે ઘેલા ભક્તે પાણીને બદલે ઘીનું બોઘરું આપીને કહે ‘‘લો મહારાજ ચળું કરો ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા ક,ે ‘‘ આવા સંસારના ભાન વિનાના તે શીદ ઘરમાં રહતો હશે ?” શ્રીજી મહારાજની એ દિવ્ય વાણી બા્રહ્મણ ભક્તના હૃદયપટલમાં અંકિત થઈ ગઈ ને તે શ્રીજી મહારાજ સાથે વરતાલ જવા ચાલી નીકળ્યા. ત્યાં આ બાહ્મણ ભક્તે પ્રભનુ ે પ્રાર્થના કરતાં કહ્યું : ‘‘ હે કૃપાનાથ , મને સાધુની દીક્ષા આપો.’’ શ્રીજી મહારાજે ‘‘શાંતાનંદ સ્વામી ’’ એવુ શુભ નામાભિધાન કરી મુક્તાનંદ સ્વામીને સોંપ્યા.

તેઓ નિર્માની સરલ સ્વભાવવાળા નિખાલસ સંત હતા. તેમણે મુક્તાનંદ સ્વામીનો મહિમા જાણી તેમની રૂચિ પ્રમાણે સેવા કરી. સ્વામીનો રાજીપો મેળવ્યો તેથી સ્વામીએ મહારાજની પ્રસાદીના ચરણારવિંદ આપ્યા હતા. તેઓ યોગાભ્યાસ વિના મહારાજની કૃપાથી સમાધિમાં ૧૦-૧પ દિવસ સુધી રહી શકતા. એકવાર ગોપાળાનંદ સ્વામીએ કહ્યું હતું કે તમે તો ત્રણે અવસ્થામાં મૂર્તિમાં મસ્ત રહો છો.તેથી તેવા ભગવત્સુખનો અનુભવ બીજા સંતોને થાય તેથી ધ્યાન ભજન, ધર્મ, ભક્તિ, જ્ઞાન વૈરાગ્યની સંપૂર્ણ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એવી વાતો નાના- સંતોને બેસાડી કરો. ત્યારથી આજીવન નાના-મોટા સંતોને હેતથી બેસાડીને પૂજા પાઠ, કથાવાર્તા, ધૂન,કીર્તન વગેરે શીખવાડતા. ધ્યાનનું અંગ હોવાથી અનેકને ધ્યાન શીખવાડી ધ્યાનના અખંડ અભ્યાસી બનાવ્યા હતા.

મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી તેઓ ગોપાળાનંદ સ્વામી સાથે રહેતા ને તેમની સેવા કરતા. શાંતાનંદ સ્વામીએ વરતાલમાં સાધુની ધર્મશાળામાં જ્યાં ગોપાળાનંદ સ્વામીનું આસન હતું તે સ્થળે ગોપાળાનંદ સ્વામીના સિંહાસને સદ્‌ગુરૂ મુક્તાનંદ સ્વામીના નામથી તથા સદ્‌ગુરૂ ગોપાળાનંદ સ્વામીના નામથી શ્રીજી મહારાજના બે જોડ ચરણારવિંદ પધરાવ્યા છે.પોતાની જીવનવીણાને પ્રભુપ્રેમ સાથે સુસંવાદિતા સાધી, તાદાત્મ્ય સર્જી પ્રભુપ્રેમની સુહાગ અને સુરાવટ રેલાવી અનેક સંતો ભક્તોને મહારાજની મનોહર મૂર્તિનો સાક્ષાત્કાર કરાવનારા, પોતાની નમ્રતા વડે બે મહાન સદ્‌ગુરૂઓનો રાજીપો લેનારા પ.પૂ.સદ્‌ગુરૂ શાંતાનંદ સ્વામીનાં ચરણોમાં કોટિ કોટિ વંદન

swaminarayn,ramanand swami

સદગુરુ રામાનંદ સ્વામી

આજે વિશ્વભરમાં “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે વિવિધક્ષેત્રે ઉપસી રહેલા મૂળ”ઊદ્ધવ સંપ્રદાય”ના સંસ્થાપક સંત ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી છે.તેમનો જન્મ દુર્વાસાના શાપથી અયોધ્યા નગરીમાં અજયવિપ્રને ઘરે માતા સુમતિના ઉદરે વિક્રમ સવંત 1795ના શ્રાવણ વદ 8 જન્માષ્ટમીના દિવસે સવારમાં થયો હતો.તેમનું બાળપણનું નામ રામશર્મા હતુ.

શુક્લપક્ષના ચંત્રવત વૃદ્ધિ પામતા રામશર્મા માતા પિતાને આનંદ આપી;પરિવાર તથા નગરવાસીઓને સ્વધર્મ,ભક્તિ,વૈરાગ્યથી પ્રભાવિત કરતા રહ્યા.યજ્ઞોપવિત પ્રાપ્ત કર્યા પછી વૈદાધ્યયન નિમિત્તે ગૃહત્યાગ કરીને સદગુરુની શોધમાં નીકળી પડ્યા .અયોધ્યાથી નીકળેલા રામશર્માને જુનાગઢ ગિરનાર તળેટીમાં આત્માનંદ નામે સિદ્ધ ગુરુ મળ્યા.દિક્ષાલીધી અને રામાનંદ સ્વામી નામ ધારણ કર્યુ.અષ્ટાંગ યોગ સાધના કરતા સિદ્ધ દશાને પામ્યા.સમાધીમાં નિરાકાર તેજના દર્શનથી ભયભીત થયેલા રામાનદં સ્વામીએ નિરાકારવાદી ગુરુનો ત્યાગ કરીને દક્ષિણ ભારતની વાટ લીધી.

શ્રીરંગક્ષેત્રમાં આચાર્યવરશ્રી રામાનુજાચાર્ય થકી દિક્ષા પામ્યા.સમાધિમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.એટલે પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા.પરંતુ પરદેશી વ્યક્તિની વિસ્તરતી કીર્તિ સ્થાનિક લોકો જોઈ ન શક્યા.તેના ત્રાસથી કંટાળી રામાનંદ સ્વામી વૃન્દાવન આવ્યા. ત્યાં ભગવદાનુષ્ઠાન કરતા પુનઃનંદનંદન શ્રીકૃષ્ણચંદ્રના દર્શન થયા.તેમણે તે સ્થાન છોડીને સૌરાષ્ટ્ર તરફ જઈને નૂતન સંપ્રદાયની સ્થાપનાની દિવ્ય અંતઃસ્ફૂરણા જગાડી. રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં આવીને નવીન સંપ્રદાયના શ્રીગણેશ કર્યા.

રામાનુજ દર્શનના સિદ્ધાંતાનુસાર સ્વમત પ્રતિપાદન કરી સૌરાષ્ટ્રની ધરા ઉપર ભક્તિમાર્ગનો પ્રચાર કર્યો.ગામડે ગામડે તેમના બ્રહ્મજ્ઞાનની ચર્ચાઓ થવા લાગી.ઠેરઠેર ભક્ત મંડળીઓ અને સદાવ્રતો દ્વારા સંપ્રદાયની પુષ્ટિ થવા લાગી.

રામાનંદ સ્વામીના આશ્રમો પૈકિના લોજગામના આશ્રમમાં વિ.સં.1856માં શ્રાવણ સુદ 6ના રોજ નિલકંઠ વર્ણીરુપે શ્રીજી મહારાજ સ્વયં પધાર્યા.પીપલાણામાં સ્વામીએ નિલકંઠવર્ણીને દિક્ષા આપીને “સહજાનંદ સ્વામી” અને “નારાયણ મુનિ”એવા બે નામ આપ્યા.અને જેતપુરમાં સર્વસંમતિથી સવંત 1858માં સહજાનંદ સ્વામીને ગાદી સોંપી.અને તેમનું અવતરણકાર્ય પુરુ કરીને અંતે”ફરેણી”ગામમાં વિ.સં.1858 માગશર સુદ 13 ત્રયોદશીને ગુરુવારે પંચભૌતિક દેહનો ત્યાગ કરીને ભગવત્સંકલ્પાનુસાર દુર્વાસાના શાપથી મુકત થઈને દિવ્ય દેહને પામ્યા.અને સદગુરુ રામાનંદ સ્વામી સંસ્થાપિત ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિ પામ્યો.

પ્રેમાનંદ સ્વામી

જન્મ: 1784 સેવાલિયા: (તા. ઠાસરા)
મૃત્યુ: 1856 ગઢડા
વ્યવસાય: સંત, કવિ
ભાષા: ગુજરાતી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપીનું બિરુદ પામેલાં સંતકવિ શ્રી પ્રેમાનંદ સ્વામી સ્વામિનારાયણીય અષ્ટકવિઓમાં અનોખું સ્થાન ધરાવતા સંત કવિ છે. તેમનો જન્મ ઇ.સ . ૧૭૮૪ – ખંભાત પાસે સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. જન્મ પશ્ચાત તેમના પિતા દ્વારા તેમનો ત્યાગ કરવામાં આવતાંતેમનો ઉછેર ડોસાભાઇ નામના મુસ્લીમ સદગૃહસ્થને ત્યાં થયો હતો.

ખુબ જ નાની ઉંમરે તેમને સહજાનંદ સ્વામીએ ગઢડાં ખાતે દિક્ષા આપી હતી. તેમનું શરુઆતનું નામ નિજબોધાનંદ હતું પણ કવિતાઓમાં બંધબેસતું ન હોવાથી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સંતનુ નામ પ્રેમાનંદ સ્વામી પાડેલુ. સહજાનંદ સ્વામી દ્વારા ‘પ્રેમસખી’ નું લાડનામ અપાયું જે તેમનું અન્ય ઉપનામ પણ બન્યું. તેઓ પ્રેમભાવનાં આચાર્ય હતા. જ્યારે સારંગીના સુર સાથે તેઓ કવિતા ગાતા ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં મુગ્ધ બનીને શ્રોતાની સાથે બેસી જતાં. તેમણે અનેક રાસ, પદ , ગરબા, લોકઢાળ અને શાસ્ત્રીય રાગ આધારીત અનેક રચનાઓ કરી છે. વિપુલ પ્રમાણમાં હિન્દી, વ્રજ, સંસ્કૃત,મારવાડી, મરાઠી અને ગુજરાતી પદો રચ્યા છે. પ્રેમલક્ષણા ભક્તિ, સામ્પ્રદાયિક અને વૈરાગ્યબોધનાં પદો – શ્રીકૃષ્ણ અને સહજાનન્દ સ્વામી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં પદો પણ તેમણે ઘણાં લખ્યાં છે.

‘તુલસીવિવાહ’, ‘નારાયણચરિત્ર’ તેમની જાણીતી રચનાઓ છે

તેમનું અવસાન ઇ.સ. ૧૮૫૬ – ગઢડાં ખાતે થયું.

પંડિત શ્રી નિત્યાનંદ સ્વામી

સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યાસનું બિરુદ મેળવાનાર સંતવર્ય સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા.તેમની ધીર-ગંભીર છતા બુલંદ શબ્દ છટા વાદીઓના મુખ સીવવામાં સફળ થતી.પરિણામે ગાડા ભરીને પુસ્તકો સાથે રાખીને આ સંતવર્યે સંપ્રદાયની સામે ઉભા થતા દરેક પડકારોને પ્રચંડ તાકાતથી જવાબ આપીને સ્વામિનારાયણ ભગવાનનો કીર્તિ ધ્વજ ફરકાવ્યો છે.

સ્વામીનો જન્મ દાતિયા(લખનૌ) ગામમાં વિષ્ણુશર્મા વિપ્રના ગૃહમાં માતા વિરજાની કુખે સવંત1849 ચૈત્ર સુદ 9ના રોજ થયો હતો.બાળપણનું નામ દિનમણી શર્મા હતુ.ચંદ્રની જેમવૃદ્ધિ પામતા દિનમણી શર્માનો 8માં વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો.

વિશેષ વિદ્યાભ્યાસ માટે કાશી ગયા.સરસ્વતીએ પોતાની સર્વસંપત્તિરુપ વાણી વિલાસ,અજોડ ભાષા વૈભવ અને રસમાધુર્યનો કળશ દિનમણી શર્મા ઉપર ઢોળ્યો.અવિનાશીના મિલનની અલભ્ય ઝંખના થઈ.તીર્થાટન માટે નીકળેલા દિનમણી શર્માને ઉંઝામાં શ્રીહરિના દર્શન થયા.પૂર્વની પ્રીત પ્રગટી. ભાગવતી દીક્ષા ગ્રહણ કરી નિત્યાનંદ નામ ધારણ કર્યુ.

શ્રીહરિએ આગવી પ્રતિભાસમ્પન્ન આ સંતને સર્વ વિદ્યાવારીધ બનાવવા માટે નાંદેલના પુરુષોત્તમ ભટ્ટ પાસે વિશેષ શાસ્ત્રાભ્યાસ કરાવ્યો અને વર આપ્યો કે જગતનો ગમે તેવો મોટો પંડિત આવશે તો પણ તમને જીતી શકશે નહિ,સદા તમારો દિગ્વિજય થશે.

શ્રીજી મહારાજ પાસેથી વરદાન મેળવીને સ્વામી સંપ્રદાયનો દિગ્વિજય કરવા નીકળી પડ્યા.શ્રીનગર, જુનાગઢ,જામનગર,ગોંડલ,ખંભાત, રાજકોટ, બોટાદ વગેરે સ્થાનોમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયના કહેવાતા અજેય અને પ્રકાંડ પંડિતોને પરાજયનો સ્વાદ ચખાડ્યો.

ઉમરેઠ જેવા અદ્વૈતવેદાંતીયોના અખાડામાં સદગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામીએ રોપેલ સત્સંગવૃક્ષને વટવૃક્ષની જેમ વિકસાવવાનું શ્રેય નિત્યાનંદ સ્વામીને ફાળે જાય છે.

શાસ્ત્ર વ્યાસંગી સંતશ્રી નિત્યાનંદ સ્વામીએ સતત વિચરણ અને શાસ્ત્રાર્થો દ્વારા સંપ્રદાયનો ડંકો વગાડ્યો. એટલું જ નહી,”શ્રી હરિ દિગ્વિજય” નામનો અદભૂત ગ્રંથ પણ લખ્યો છે.શાંડિલ્યસૂત્રનું ભાષ્ય, સત્સંગીજીવન ટીકા,જેવા તેમના ગ્રંથો નોંધપાત્ર છે.

શરીરના છેલ્લા શ્વાસ સુધી સંપ્રદાયની ચિંતા કરનાર આ સંત સ્વેચ્છાએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને સત્સંગની ભલામણ કરીને સંવત 1908માગશર સુદ 11ના રોજ સિદ્ધાસનવાળી ધ્યાનમાં મગ્ન થયા. સ્વામીનો અંત્યેષ્ટિ સંસ્કાર જ્ઞાનબાગમાં થયો હતો.

નામ: મુકુંદદાસ

જન્મ: સવંત ૧૮૧૪ની પોષ વદ સાતમ (અમરેલી)

અવસાન: સવંત ૧૮૮૬ના અષાઢ વદ એકાદશી (ગઢડાં),અક્ષરધામ

કુટુંબ:પિતા – આનંદરામ,માતા – રાધાદેવી

અભ્યાસ: તેમના પિતા પાસેથી સંસ્કૃત અને સંગીતનું જ્ઞાન મેળવ્યું,સંસ્કૃત, ગુજરાતી, વ્રજ ભાષાનો અભ્યાસ.

પ્રખ્યાત સંત કવિ મૂળદાસ પાસેથી કાવ્યશાસ્ત્રની શિક્ષા લીધી.

વૈદક શાસ્ત્રમાં પણ નીપુણતા મેળવી.

નાનપણથી જ સત્સંગ અને વૈરાગ્ય પ્રત્યે રૂચી.

તેમનો કંઠ ઘણો સારો હતો. તેઓ સહુને રામાયણ, મહાભારત આદી કથાઓનો પાઠ કરી સંભળાવતા.

સવંત ૧૮૪૨ની વસંતપંચમીના રોજ તેમણે રામાનંદ સ્વામી પાસે ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા લીધી અને નામ રાખ્યું મુક્તાનંદ સ્વામી.

તેમના જ્ઞાન, વિદ્વતા અને સમર્પણને કારણે તેમને રામાનંદ સ્વામીના પટ્ટશિષ્યનું સ્થાન મળ્યું.

સવંત ૧૮૫૬માં સહજાનંદ સ્વામીનું નીલકંઠવર્ણી વેશે લોજ ગામમાં આગમન થયું, ત્યારે મુક્તાનંદ સ્વામીની વિદ્વતા અને વૈરાગ્યથી પ્રભાવિત થઇ જઇને તેમણે ગુજરાતને કાયમી મુકામ બનાવ્યો.

રામાનંદ સ્વામીના પટ્ટશિષ્ય હોવાને કારણે તેમના પછી ગાદીના વારસ તેઓ હતાં. પરંતુ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને મહંતપદ સોંપ્યુ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ સહેજપણ કટુતા લાવ્યા વીના પોતાનાથી વયમાં ૨૩ વર્ષ નાના એવા સહજાનંદ સ્વામીને ગુરુપદે સ્વીકાર્યા અને આજીવન તેમને સમર્પિત રહ્યા

તેમના આ મહાન ત્યાગને કારણે જ તેઓ ‘સ્વામિનારાયણ સંપ્રદાયની માતા’ તરીકે ઓળખાય છે.

સહજાનંદ સ્વામીના પાંચસો પરમહંસોમાં તેઓ માળાના મેર હતાં.

વડોદરાની ગાયકવાડ સરકાર સમક્ષ શાસ્ત્રાર્થમાં અનેક પંડિતોને હરાવી વિજય મેળવ્યો.

તેઓ નૃત્યમાં પણ નીપુણ હતાં. સફેદ ચાદર પર ગુલાલ નંખાવી નાચતા નાચતા પગથી જ ચાદર પર હાથી ચીતરી નાખવાની કલા તેમને સિદ્ધ હતી.

સહજાનંદ સ્વામીના અવસાનના એક માસ બાદ ગઢડાના ગોપીનાથજી મંદિરના પ્રાંગણમાં સમાધિ લઇને દેહત્યાગ કર્યો.

૧.ધર્માખ્યાન
૨.પંચરત્નમ્
૩.વિવેકચિંતામણી
૪. ઉદ્ધવગીતા
૫.સત્સંગ શિરોમણી
૬.સતી ગીતા
૭.શિક્ષાપત્રી ભાષા
૮. મુકુંદ બાવની
૯. ધામવર્ણન ચાતુરી
૧૦. વાસુદેવ અવતારચરિત્રમ્
૧૧.અવધુતગીતમ્
૧૨.ગુરુ ચોવિશી
૧૩.ક્રુષ્ણ પ્રસાદ
૧૪.નારાયણ ચરિત્રમ્
૧૫.નારાયણ કવચમ્
૧૬.વૈકુંઠધામદર્શનમ્
૧૭.ભગવદ્ ગીતાભાષા
૧૮. કપિલગીતા
૧૯.ગુણવિભાગ
૨૦.નારાયણ્ ગીતા
૨૧. રુક્મણી વિવાહ્
૨૨.રાસલીલા
૨૩. હનુમત્પંચક્
૨૪.હનુમત્ નામાવલી
૨૫.સત્સંગીજીવન માહાત્મ્ય

વિગેરે. તેમની રચનાઑ માં શબ્દકૉતુક કરતા અર્થ ગાંભીર્ય વધુ છે.તેમની રચનાઑ પર શોધગ્રન્થો લખાય રહ્યા છે. તેમની એક રચના સતિગીતા પર ફ્રેન્ચ વિદુષી મેલીજો ફ્રાંજવા ઍ શોધગ્રન્થ લખ્યો છે.કવિના જિવન-કવન પર પણ્ શોધ ગ્રન્થ લખાયો છે.

વૈરાગ્યમૂર્તિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટકવિઓમાં વૈરાગ્યમૂર્તિ તરીકેની આગવી છાપ ધરાવતા સંતકવિ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એક આગવી પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વના શીતળ સાગરમાં વિહાર કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહિ,પણ ગરવી ગુજરાતના એક પોતીકા સંત હતા.

સ્વામીશ્રીનો જન્મ જામનગર જીલ્લાના શેખપાટ ગામે વિ.સં.1822માં રામજીભાઈને ઘરે માતા અમૃતાબાની ગોદે થયો હતો.તેઓ એક પ્રતિષ્ઠિતઅગ્રણી કુટુંબના મોભી હતા છતા વૈરાગ્યવેગથી સંસારથી વિરક્ત રહ્યા હતા.આત્માનંદ સ્વામીએ દીક્ષા આપવા પ્રાર્થના કરેલી,સ્વામીએ જરુર પડશે ત્યારે બોલાવી લઈશું કહીને સંસારમાં જોડ્યા.

અત્યાર પછી સંવત1860માં કચ્છ જતા શ્રીહરિ લાલજી સુથારને ભોમીયા તરીકે સાથે લઈ ગયા.રસ્તામાં તેમના સસરાનું ગામ અઘોઈ આવ્યુ.ત્યાં જ શ્રીહરિએ તેમને કુળ તજાવી દીક્ષા આપી નિષ્કુળાનંદ સ્વામી નામ પાડ્યુ.તેના ધર્મપત્નિ કંકુબાઈ,સુપુત્રો માધવ અને કાનજી તથા સાસુ સસરાને લઈને મનાવવા આવ્યા ત્યારે “મુને સ્વપ્ને ન ગમે સંસાર…”મેં હું આદી અનાદી આ તો સર્વે ઉપાધિ જેવી વેધક સ્વરચિત કાવ્ય પંક્તિઓની વર્ષા કરી.માધવ સાધુ થવા તૈયાર થયો ત્યારે શ્રીહરિએ સિંહના તો સિંહ જ હોય તેમ કહીને દીક્ષા આપી”ગોવિંદાનંદ”નામ પાડ્યું.

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની વિલક્ષણતા એ હતી કે તેઓ નિરક્ષર હોવા છતા શ્રીહરિની કરુણાના હસ્તાક્ષરરુપે કલમ ચલાવતા અને કાવ્ય સર્જતા.આ વૈરાગ્યમૂર્તિનાકાવ્યકીર્તનોની કડીઓ તલવારની ધાર માફક ચાપખા મારતી,અજ્ઞાન તિમિરને ભેદીને જ્ઞાનનો પ્રકાશ ફેંકતી કોઈ અજબની અજંન શલાકા જેવીછે. તેમના તીવ્ર વૈરાગ્યની છાપ તેમના કાવ્યોમાં પણ ઉપસી છે.એટલું નહિ,તેમના કાવ્યનું શ્રવણ કરતા આજે પણ સંસાર રાખ લાગે છે.

તીવ્ર વૈરાગ્યથી ઘેરાયેલા હોવા છતા તેઓ પાષાણ અને કાષ્ઠના ઉત્તમ શિલ્પી હતા.તેમણે સ્વયં વડતાલ ઉત્સવ પ્રસંગે 12-12 બારણાનો હિંડોળો બનાવીને શ્રીહરિને ઝૂલાવ્યા હતા.તે તેમની કાષ્ઠકલાકૃત્તિનો નમુનો હતો.તો ઘોલેરા મંદિરની કમાનો જે સ્વયં સ્વામીએ હાથમાં ટાંકણું લઇને કોતરેલી છે તે તેમની શિલ્પ કલાનો નમૂનો છે.

સ્વામીશ્રીએ હજારો કિર્તનો ઉપરાંત 22જેટલા નાના મોટા ગ્રંથો રચ્યા છે.જે”નિષ્કુળાનંદ કાવ્ય”રુપે પ્રગટ થયેલ છે.”ભક્ત ચિંતામણી”તેમની શિરમોર રચના છે.એક પ્રસંગે શ્રીહરિના અવતારી કાર્યની ગુપ્તતા જાણ્યા પછી કવિએ’પુરુષોત્તમ પ્રકાશ’ગ્રંથ લખીને નિજકાવ્ય મંદિરને કળશ ચડાવ્યા છે.
તેમના આજીવન સાહિત્ય લેખનથી ગુર્જર સાહિત્ય સતત સમૃદ્ધ થતુ રહ્યુ છે.સ્વામીએ ધોલેરાના મહંત પદે સેવા કરતા કરતા સંવત 1904માં શ્રીહરિનું સાનિધ્ય પ્રાપ્ત કર્યુ.છતા તેમના કાવ્યોના પડઘા જ્યારે જ્યારે કાને પડે ત્યારે તેમની તપોછબિ નજર સમક્ષ તરી આવે છે.